Sunday, December 22, 2019

સુખ અને દુ:ખનો અહેસાસ



કયારેક મન ખુબ જ ડામાડોળ હોય છે. ખબર નહિ કેમ ! દુ:ખી હોય પરંતુ દુ:ખનું કારણ ખબર હોતી નથી. રડવું આવતું હોય પણ શા માટે ? ખબર હોતી નથી. બસ ! આપણે આપણી જાતને દુનિયાના સૌથી દુ:ખી અને લાચાર સમજવા લાગીએ છીએ, એ જ મન કયારેક એટલું ખુશ હોય છે કે, બીન કારણ હવાની સાથે ઉડતું હોય છે. કોઈ વાત વગર પણ મુખ પર હાસ્ય હવાતયા મારતું હોય છે, ન તો ખુશ થવાનું કોઈ કારણ હોય છે, ન કોઈ પ્રસંગ છતાં પણ આપણે જ નહીં પરંતુ આપણને આખી દુનિયાને ખુશખુશાલ આનંદમાં મંત્રમુગ્ધ જોઈએ છીએ. શા માટે ? બસ બધુ આ મરકટ મનનું કામ છે, તેની હૈયાતી જ માણસને ઘાટે ઘાટનું પાણી ચખાડે છે.


માણસનું મન મરકટ જેવું છે. ગમે ત્યારે રઘવાયુ બની નાચી ઉઠે છે, તો કયારેક એવું તો સારુ કાર્ય કરી જાય છે કે, મૃત્યુ પછી પેઢીઓની પેઢીઓ યાદ કરતી રહે છે. ક્યારેય અનાયાસે એટલે કે ના ચાહવા છતાં કોઈને ઠેસ પહોચાડીદે છે. ત્યારે ખુલ્લા મને માફી માંગી લેવી જોઈએ. શું થાય ભુલ તો માણસથી જ થાય છે. આ મન ચનચળ છે, સ્થીરતા છે જ નહિ, જો મનમાં સ્થીરતા આવી જાય તો માણસ ભગવાનને નહિ પરંતુ ભગવાન જ ભકતનો ચેલો બની જાય, પરંતુ આ તો શકય જ નથી. આ ચચળ મનની ચનચળતા વહેતી નદી જેવી છે. પલમાં હસવું તો પલમાં રડવું, પલમાં દુ:ખી મન પલમાં ખુશીના અત્તરમાં ભીંજાતું હોય છે.


મનથી જે કોઈ કાર્ય કરો તેમાં સફળતા જરૂર મળે છે. આવું મે નથી કહ્યું, પણ મેં સાંભળેલું છે, અને હા મે અનુભવેલું પણ છે. અમુક કાર્ય, અમુક નંબર, અમુકના શબ્દો, કયારેય ભુલાતા નથી, મનથી કરેલ કાર્ય, મનથી સાંભળેલી વાતો અને મનથી કરતાં દરેક કાર્યમાં કયારેય નિષ્ફળતા મળતી જ નથી. મનથી કરેલ કાર્ય માટે હંમેશા સફળતાનો તાજ મળે છે.


અરે હા, આ મરકટ મનની વાતોમાં ખુશી-દુ:ખી સુધીની લાગવગ લગાવી બેઠા. ખુશીઓનો વરસાદ વરસાવ્યો, દુ:ખની વીજળીઓ વરસાવી બેઠા. પરંતુ મારે તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ. મને વાંચવાનો ખુબ શોખ. કોઈએ કહ્યું પણ ખરું કે વાંચીને પાગલપન આવી જાય. પરંતુ ખબર નહી.... પણ આ પાગલપન સારું લાગે છે આદત પડી ગઈ છે આ પાગલપનની. તમે કહેશો વાંચવાનો સમય.... સમયની તો વાત જ પુછો માં. સમય તો કોની પાસે હોય છે.


સમયની તો બસ ચોરી કરો તો જ શક્ય બને. હા... ખરેખર આ બહુ સારી આદત છે તમે પણ આ આદત પાડો સમયની ચોરી કરવાની. બાકી સમય નથીના ગીત તો દરેક માણસના મુખે પોતાની જાતના વખાણ કરતાં હોય એ રીતે સાંભળું છું.


છતાં પણ કયારેક મનની મોટાઈ બતાવવા માણસોને ખોટુ બોલતાં મેં સાંભળ્યા નહિ, પણ નજરે જોયેલા છે. બસ એવી જ રીતે હું પણ મનની મોટાઈ બતાવવા માટે ફરજીયાત મન સાથે ધમસાણ યુધ્ધ કરીને વાંચવા માટે બેઠક તો લીધી, પણ દસેક મિનિટમાં તો વાવાઝોડાની જેમ કંટાળો દોડતો આવ્યો. પરંતું આજ તો નક્કી જ કર્યું તું કે, એક બુક વાંચી જ નાંખવી અને વાંચી પણ નાંખી, હવે બીજી બુક વાંચવા માટે મન લલચાણું, પછી તો ત્રીજી, ચોથી, પાંચમી.... હવે તો મારી આળસને પણ વાંચવાનો ચેપ લાગ્યો. આળસ અને શોખ વચ્ચેના મહાસંગ્રામમાં શોખ જીત્યો અને આળસ હારી. બસ પત્યું જેવી હારી અને મને છોડીને ચાલી ગઈ....


જતાં જતાં મને એક નવી લાલચ જગાવતી ગઈ, તે પણ કવિ થવાની. હા..... ખરેખર મને કવિ બનવાનો અભરખો જાગ્યો. હવે તો મનમાં કાંઈને કાંઈ વિચારો ઉમળતા રહેતા. કવિ બનવું છે, પણ શું કરવું ? કવિ બનવા માટે ? શું લખવું ? શું વિચારવું ? અરે આ વાંચનનો શોખ લખવાનો શોખ જગાવ્યો. આવી લાલચું છે જીંદગી. આ જિંદગીમાં આવતા વિચારો. હાથમાં ચોપડી લઈને પણ વિચારતો કવિના જ આવતાં હું કેમ કવિ બનું.


બસ, હવે ખુબ વિચારી લીધું ? હવે તો મે મારા મનને જ સવાલ કર્યો ? શું હું કવિ બની શકું ? આ એક વિચારે મને હાથમાં કાગળ અને પેન લેવા માટે મજબુર થવું પડયું. કાગળના સથવારે પેનના ટેકે વિચારના વમળો ઉમટયા કાગળ ઉપર અને બે કાવ્યો તો લખ્યા, પણ... કોને જઈને કહું ? મનમાં તો ખુશી નો ખનખનાટ હતો. હું કવિ બની ગઈ, પરંતુ કોઈને કહેવાની હિંમત જ ન થઈ. કોઈ મારી મશ્કરી કરી બેસે તો ? પરંતુ મારા લખેલા કાવ્યોને વારંવાર વાંચીને મન તો ઉછાળા મારી રહ્યું હતું. એટલી ખુશી ઉભરાતી હતી કે, વ્યકત કરવા માટે મારી પાસે શબ્દો જ નથી.


મારા જ મનને આનંદ આપવા માટે બંન્ને કાવ્યોને લઈને ગણગણતી ખુલ્લી હવામાં જઈ અગાસીએ બેઠક જમાવી. તમે વિચારતા હશો કે બે કાવ્ય લખવાથી કોઈ કવિ બની શકે ખરાં ? સાચી વાત છે તમારી ! કે મારા કાવ્યને સાંભળનાર. કોઈ હતું નહિ, તેથી વહેતા પવનની સાથે મેં પણ કાવ્ય લલકારયું. કદાચ પવનને પણ મારી ઈર્ષા આવી. શાંત, આહલાદક વાતાવરણમાં અચાનક તોફાનનો પ્રકોપના દર્શન થયા. આ જોરદાર પવને જ આંખમાં કચરાને આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું.


હું તો એ પણ ભુલી ગઈ કે મારા હાથમાં બે કાવ્યો હતા. આંખના કચરાને બહાર સુધી પહોંચાડતા પહેલાં મારા કાવ્યો તો મારા હાથમાંથી જ બહાર થઈ ગયા. હવે તો કચરા વગરની આંખમાંથી પણ આંસુંઓ ટપકવાં લાગ્યા. દુ:ખ તો એક જ હતું કવિ બનવા માટે રચાયેલા પહેલા બે કાવ્યો, આ પવન તેની સાથે જ લઈ ગયો. મને પણ પવન ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો.


ગુસ્સા સાથે જ મે તેમને મારા બન્ને કાવ્યો મને પાછા આપવા માટે આજીજી કરી, કરગરતા કહ્યું, કોણ માનશે મારી વાત કે મે કાવ્ય લખ્યું. સુસવાટાની જેમ સંગીતના સુર સાથે પવને જવાબ આપ્યો, ''દુ:ખી ન થા, તારા બન્ને કાવ્યો એટલે સુખ અને દુ:ખનો અહેસાસ ! © કોપીરાઈટ આરક્ષિત.............


No comments:

Post a Comment